ચંદ્રશેખર આઝાદ
ચંદ્રશેખર આઝાદ
દેશની આઝાદી માટે બલિદાન આપનાર ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ જયારે ૫હેલી વાર બ્રિટિશરોની કેદમાં આવ્યા ત્યારે જજે તેમને 15 ચાબુકની સજા ફટકારી હતી. તેમનો સ્વતંત્રતા પ્રત્યેનો જુસ્સો એવો હતો કે અંગ્રેજ અઘિકારી તેમની પીઠ પર જેમ જેમ ચાબુક મારતા રહ્યા અને તેઓ વંદે માતરમના નારા લગાવતા ગયા.
“મારી ભારત માતાની આ દુર્દશા જોઈને જો તમારું લોહી હજી પણ નથી ઉકળતુ ,તો એ લોહી નહી, માત્ર પાણી છે.” આ શબ્દો છે મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ ના. નાનપણથી જ આઝાદની અંદર દેશભક્તિની ભાવના ભરાોભાર વણાયેલી હતી. ભારતની આઝાદીમાં આ યુવા ક્રાંતિકારીનું મહત્વનું યોગદાન છે.
14 વર્ષની ઉંમરમાં ૫સંદ કર્યો ક્રાંતિની રસ્તો:-
ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જુલાઈ 1906 ના રોજ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાબરામાં થયો હતો. આઝાદના પિતાનું નામ પંડિત સીતારામ તિવારી તથા માતાનું નામ જાગરાની દેવી હતું. આઝાદનું પ્રારંભિક જીવન આદિવાસી પ્રભુત્વ ધરાવતા ભાબરામાં વિતાવ્યું હતું. બ્રિટિશ શાસિત ભારતમાં ઉછરેલા, આઝાદની નસો શરૂઆતથી જ અંગ્રેજો માટે નફરતથી ભરેલી હતી. તેઓ 1920 માં, માત્ર 14 વર્ષની વયે, ચંદ્રશેખર આઝાદ ગાંધીજીના અસહકાર આંદોલન સાથે જોડાયા હતા.
આઝાદ નામ કઇ રીતે ૫ડયુ? :-
14 વર્ષની ઉંમરે, તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. જ્યારે ન્યાયાધીશે તેમનું નામ પૂછ્યું, ત્યારે તેમણે ખૂબ જ નિડરતાથી કહ્યું – ”આઝાદ”.પિતાનું નામ પૂછતાં તેમણે મોટેથી કહ્યું, ‘સ્વતંત્રતા’. સરનામું પૂછતાં તેમણે કહ્યું – જેલ. આના પર ન્યાયાધીશે તેમને જાહેરમાં 15 ચાબુક ફટકારવાની સજા કરી. આ તે ક્ષણ હતી જ્યારે તેની પીઠ પર 15 ચાબુક વરસી રહયા હતા અને તે વંદે માતરમના નારા લગાવી રહયા હતા. આ તે જ દિવસ હતો જ્યારથી દેશવાસીઓએ તેમને આઝાદના નામથી બોલાવવાનું શરૂ કર્યું. તેની ખ્યાતિ ધીરે ધીરે વધી રહી હતી.
ક્રાંતિની શરૂઆત:-
ચંદ્રશેખર આઝાદની નિશાનેબાઝી બાળપણથી જ ખૂબ સારી હતી. તેમણે બાળપણમાં જ તેની તાલીમ લીધી હતી. જલિયાવાલા બાગની ઘટના પછી ચંદ્રશેખર સમજી ગયા કે આઝાદી શબ્દોથી નહીં, બંદૂકથી મળશે. જો કે તે દિવસોમાં મહાત્મા ગાંધી અને કોંગ્રેસનું અહિંસક આંદોલન ચરમસીમા પર હતું અને સમગ્ર દેશમાં તેમને ભારે સમર્થન મળી રહ્યું હતું. આવી સ્થિતિમાં હિંસક પ્રવૃત્તિઓના હિમાયતી ઓછા હતા. ચંદ્રશેખર આઝાદે મહાત્મા ગાંધી દ્વારા ચલાવવામાં આવેલા અસહકાર આંદોલનમાં પણ ભાગ લીધો હતો અને તેમને સજા પણ થઈ હતી, પરંતુ ચૌરા-ચૌરીની ઘટના પછી જ્યારે આંદોલન પાછું ખેંચવામાં આવ્યું ત્યારે આઝાદનો કોંગ્રેસથી મોહભંગ થઈ ગયો, અને તેઓ બનારસ તરફ પાછા વળ્યા.
ચંદ્રશેખર આઝાદ નું સુત્ર:-
ચંદ્રશેખર આઝાદ કહેતા કે ‘આપણે દુશ્મનની ગોળીઓનો સામનો કરીશું, આઝાદ છીએ, આઝાદ રહીશું’ એક સમય હતો કે તેમના આ સૂત્રને દરેક યુવક દરરોજ રટણ કરતા હતા. જે ગર્વ સાથે આઝાદ સ્ટેજ પરથી બોલતા, હજારો યુવાનો દેશ માટે તેમની સાથે બલિદાન આ૫વા તૈયાર થઇ જતા હતા.
ચંદ્રશેખર આઝાદ નું મૃત્યુ:-
27 ફેબ્રુઆરી 1931 ના રોજ, તેઓ અલ્હાબાદ ગયા અને જવાહરલાલ નહેરુને મળ્યા અને વિનંતી કરી કે તેઓ ગાંધીજીને માત્ર એટલી વિનીતી કરે કે, ગાંઘીજી લોર્ડ ઇરવિનને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ આ ત્રણેયની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવા દબાણ કરે.જ્યારે નહેરુએ આઝાદનું સાંભળ્યું નહીં, ત્યારે આઝાદે તેમની સાથે લાંબા સમય સુધી દલીલ કરી. જેથીર નેહરુજી ગુસ્સે થયા અને આઝાદને તાત્કાલિક ત્યાંથી નિકળી જવાનું કહ્યું. ત્યાંથી ગુસ્સે થઇ આઝાદ તેની સાયકલ પર આલ્ફ્રેડ પાર્કમાં ગયા.
ચંદ્રશેખર આઝાદ અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્કમાં સુખદેવ અને તેના અન્ય એક મિત્ર સાથે મળી યોજના બનાવી રહ્યા હતા. અચાનક બ્રિટિશ પોલીસે તેના પર હુમલો કર્યો. આઝાદે પોલીસ પર ગોળીબાર કર્યો જેથી તેમનો સાથી સુખદેવ છટકી શકે. પોલીસની ગોળીથી આઝાદ ખરાબ રીતે ઘાયલ થયા હતા. તે સેંકડો પોલીસ સામે 20 મિનિટ સુધી લડયા હતા. અંતે, તેમનું સૂત્ર ”આઝાદ છું આઝાદ રહીશ એટલે કે તેઓ કદી પકડાશે નહીં અને ન તો બ્રિટિશ સરકાર તેમને ફાંસી આપી શકશે” ને યાદ કર્યુ. તેમણે પિસ્તોલની છેલ્લી ગોળી પોતાની જાતને જ મારી માતૃભૂમિ માટે પોતાનો જીવ બલિદાન આપ્યો.